હોળાષ્ટક એટલે શું? ક્યારે આવે છે? તેનું ખગોળીય મહત્વ શું હોય છે?

3
184

આજે આપણે અવારનવાર ચર્ચામાં આવતો શબ્દ હોળાષ્ટક એટલે શું તે જાણીશું. હોળાષ્ટક અને મીનાર્ક: આપણે ત્યાં અષ્ટક શબ્દ બે અર્થમાં છે. અષ્ટક એટલે આઠ શ્લોકનો સમૂહ. દા.ત. મંગલાષ્ટક, યમુનાષ્ટક, મધુરાષ્ટક વગેરે. અષ્ટક એટલે આઠ દિવસનો સમૂહ. હોળાષ્ટક એટલે હોળી (હુતાસણી) પહેલાના આઠ દિવસનો સમૂહ. અત્રે હોળાષ્ટક અંગે સાચી સમજ મેળવીએ.marugujarat

આપણી કૃષિપ્રધાન સંસ્કૃતિમાં રોજિંદા વ્યવહારમાં પ્રકૃતિના વિવિધ અંગો ભૂમિ, નદી નાળા, સરોવર, પર્વત, વનવગડાંની વનસ્પતિ, હવામાન, વગેરે સાથે સતત સાંનિધ્ય જળવાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આપણે ત્યાં ખગોલીય દ્રષ્ટિએ વસંતસંપાત દિન (21 માર્ચ)નું વિશેષ મહત્વ છે. વસંતસંપાત દિવસની નજીકની પૂનમ એટલે હોળી- હુતાસણી.

આપણા લોકજીવન મુજબ ચોમાસાના ચાર મહિના (ચાતુર્માસ) ને બાદ કરતાં લગ્ન, જનોઇ, વાસ્તુ, ઉદ્દઘાટન, વ્યાપાર આરંભ વગેરે શુભ મુહૂર્તો કારતક સુદ અગિયારસથી અષાઢ સુદ અગિયારસ સુધીના આઠ માસ દરમિયાન પંચાંગ શુદ્ધિ જોઇને આપવામાં આવે છે.

હવે જો સમગ્ર આઠ માસ દરમિયાન આ બધા દિવસોમાં સતત માંગલિક મુહૂર્તો આપવામાં આવે તો વસંત ઋતુમાં જોવા મળતા વનસ્પતિના વૈભવ અને આરોગ્યમાં ઉપયોગી ઔષધીય વૃક્ષોના ફળ ફેલાવાનું અવલોકન – સૂક્ષ્મ નિરીક્ષણ માટે અભ્યાસી લોકો ખાસ સમય ફાળવી શકે નહીં.

હોળાષ્ટક શા માટે?

આપણે ત્યાં હુતાસણી એ વસંતસંપાત દિવસની નજીકની પૂનમ હોવાને લીધે આગામી ઉનાળા તથા ચોમાસાના અંદાજ અભ્યાસ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આથી હુતાસણી હોલિકા દહન પહેલા એક સપ્તાહ સુધી તે અંગેના પ્રાચીન અર્વાચીન સાહિત્યનો પ્રત્યક્ષ અભ્યાસ થાય તે જરૂરી છે. આ માટે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધીના આ દિવસો પ્રકૃતિના વિવિધ અંગોના અવલોકન નિરીક્ષણ અને અભ્યાસ માટે હોળાષ્ટકનો સમયગાળો નક્કી થયેલ છે.

હોળાષ્ટક ક્યારે આવે છે?

દર વર્ષે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ (હોલિકાદહન) સુધી ગણાય છે. હોલિકાદહન સંધ્યા સમયે પૂનમ તિથિ હોય ત્યારે કરવાનું થાય છે. તો જ હુતાસણી સમયે અગ્નિજવાળા તથા વાયુ અંગેના અવલોકન સાચા આવી શકે છે. સુદ ચૌદસ તિથિ સંધ્યા સમય પહેલાં સમાપ્ત થતી હોય અને સુદ પૂનમ તિથિ પણ સંધ્યા સમય અગાઉ સમાપ્ત થતી હોય ત્યારે પૂનમ તિથિનો પૂર્ણ ચંદ્ર સુદ ચૌદસની સાંજે ઊગી જતો હોય છે. આને વ્રત પર્વની ભાષામાં વ્રતની પૂનમ કહે છે.

આ વર્ષે તા. 20 માર્ચને બુધવારે ફગણ સુદ ચૌદસ દિવસે ક. 10.45 સમયે સમાપ્ત થાય છે. આ સમયે પૂનમ તિથિનો આરંભ થાય છે. તા. 21 માર્ચને ગુરુવારે સવારે ક. 07.13 સમયે પૂનમની સમાપ્તિ છે. તેથી વ્રતની પૂનમ તા.20-03-2019ને બુધવારે ફાગણ સુદ ઉદયાત ચૌદસના રોજ છે. હુતાસણી હોલિકા દહન પણ આ દિવસે તા. 20 માર્ચને બુધવારે થશે. ધુળેટી તા. 21 માર્ચને ગુરુવારે થશે. આમ આ વર્ષે હોળાષ્ટક ફાગણ સુદ આઠમ ગુરૂવાર તા. 14-03-2019થી ફગણ સુદ ચૌદશ (વ્રતની પૂનમ, હોલિકાદહન ) તા. 20-03-2019ને બુધવારે સંધ્યા સમય સુધી રહેશે.

હોળાષ્ટકનું ખગોળીય મહત્વ

કાર્તિકી વિક્રમ સંવતના બાર માસ કારતક, માગશર, પોષ, મહા, ફગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો છે. તેને નૈર્સિગક કુંડળીના બાર સ્થાનો સાથે સાંકળવામાં આવે ત્યારે ફગણ માસ પાંચમા સ્થાને (ત્રિકોણ સ્થાને) આવે છે. આ પંચમ સ્થાનને નવસર્જન સાથે સીધો સંબંધ છે.

એક ચાંદ્ર માસમાં (અમાસથી અમાસ દરમિયાન) ચાર ક્વાર્ટર આવે છે. તેનું મહત્ત્વ ખગોળ, હવામાન, ઋતુવિજ્ઞાન, મેદનીય જ્યોતિષ અને કૃષિ ઊપજની ક્ષય-વૃદ્ધિ (છત-અછત) અને ગંજબજારની તેજી-મંદીમાં વિશેષ જોવા મળે છે.

પ્રથમ ક્વાર્ટર (ચરણ) એટલે અમાસની સમાપ્તિ (સુદ એકમ)થી સુદ આઠમનો પૂર્વાર્ધ. ચાંદ્રમાસનું બીજુ ચરણ એટલે સુદ આઠમના ઉત્તરાર્ધથી પૂનમની સમાપ્તિ. ત્રીજું ચરણ એટલે વદ એકમથી વદ આઠમનો પૂર્વાર્ધ. ચાંદ્રમાસનું ચોથું ચરણ વદ આઠમથી અમાસની સમાપ્તિ સુધીનો સમય. આમ હોળાષ્ટક પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફગણ માસના દ્વિતીય ચરણ તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખગોલીય રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે.

હોળાષ્ટક કમુહૂર્તા ગણાય?

હોળાષ્ટકનો મુખ્ય હેતુ વનસ્પતિના ફલ ફેલાવાનો અભ્યાસ કરીને કૃષિ સંસ્કૃતિને ઉપયોગી થવાનો છે. જેથી આગામી ઋતુઓ બાબતે ક્ષીર-નીર વિવેકથી અભ્યાસ થાય. વધુ લોકો તેમાં સામેલ થાય તેવા શુભ આશયથી આપણા પૂર્વાચાર્યોએ હોળાષ્ટકના દિવસો દરમિયાન માંગલિક મુહૂર્તો નહીં લેવા માટે આઠ દિવસનો વિરામ ફાળવ્યો છે.

જો લોકો આ સમયમાં પ્રવાસ યાત્રા, માંગલિક કાર્યોના રોકાણમાંથી મુક્ત રહેશે તો અવશ્ય પ્રકૃતિના ખોળે જવાનું વિચારશે. આરોગ્ય અને સૌંદર્ય માટે ખાખરાનાં વૃક્ષ ઉપર આવતાં કેસૂડાના ફૂલ મેળવી શકે છે. માંગલિક પ્રસંગો યોજવાનું ટાળે તે માટે હોળાષ્ટકના સાત આઠ દિવસો ‘સામી હુતાસણી’ તેમજ ‘હોળીની સામીઝાળ’ જેવા શબ્દોથી ઓળખાય છે.

હોળાષ્ટકમાં શું કરવું જોઇએ?

પોતાના નિવાસસ્થાનથી દૂરના અંતરે પગપાળા ચાલતા જવું જોઇએ. વન વગડાંના ફલ ફેલાવાનો અભ્યાસ કરવો. આર્થિક ભીડ હોય તો વિષ્ણુ સ્વરૂપના મંદિર (રામજી, કૃષ્ણ, નરસિંહ, રાધાકૃષ્ણ વગેરે મંદિરે) એકાંતમાં શાંત ચિત્તે પોતાની ચંદ્ર રાશિના અધિપતિ ગ્રહ કે ઇષ્ટદેવના જાપ બેથી ત્રણ ઘડી સુધી કરવા જોઇએ. હોળાષ્ટકના આ સાત આઠ દિવસો દરમિયાન પોતાના આંગણે બેસીને કે શાંત સ્થળે રાત્રે બેથી ત્રણ ઘડી સુધી ચંદ્રના કે લક્ષ્મી નારાયણના જાપ કરી શકાય.

લાંબી માંદગી હોય તો આ દિવસો દરમિયાન આરોગ્યના કારક સૂર્યનારાયણની ભક્તિ વિશેષ કરવી જોઇએ. હોળાષ્ટકમાં કયા કામ ન કરવા જોઇએ? આ દિવસો દરમિયાન અગત્યના દસ્તાવેજી કાર્ય, મોટી નાણાકીય લેવડદેવડ, ખાસ માંગલિક હેતુનો પ્રવાસ, મોટી ખરીદી, સાહસિક વેપાર, અગત્યના નિર્ણય વગેરે કામકાજ કરવાની સલાહ નથી.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here